Archive for જુલાઇ, 2020

h1

આભે

30/07/2020

દ્વિખંડી ગઝલ
આભે
(ગાલગા લગાગાગા, ગાલગા લગાગાગા)

ચાંદની ખરી આભે, મોજ ઊતરી આભે,
સંધ્યા આછરી આભે, શોભા તો કરી આભે.

વાદળી ભલી નાચે, વાયરો ભલો વાતો,
ફૂલને ધરી આભે, ખુશબૂ સંચરી આભે.

ઊંચે ઊડતું પંખી, ને કળા કરે પંખી,
ટહુકા પણ સરી આભે, વેરે વૈખરી આભે.

તારલી ઘણી કૂદે, સૂર્યને કહે આજે,
હું તો સુંદરી આભે, લાગતી પરી આભે.

આભ શોભતું એવું, ગાય હેતથી ‘સાગર’,
આંખડી ઠરી આભે, મોજથી વરી આભે.

  • ‘સાગર’ રામોલિયા
h1

જીવી લો તાનમાં

26/07/2020

જીવી લો તાનમાં (ગઝલ)
(ગાલગાગા ગાલગાગા ગાલગા)

એટલું મુજને મળે વરદાનમાં,
જીવવાનું ના રહે અપમાનમાં.

એટલી કરજે દયા ભગવાન તું,
હો’ ખુશી સૌના મુખે મુસ્કાનમાં.

જોડવું કે તોડવું જાણું નહીં,
હો’ સફળતા સઘળાં અનુસંધાનમાં.

દુઃખ તો ભાગી જાય સૌ પળવારમાં,
સૂર એવો આપજે મુજ ગાનમાં.

સૌ કહે છે કાલની કોને ખબર?
એટલે જીવી લો ‘સાગર’ તાનમાં.

  • ‘સાગર’ રામોલિયા