Archive for જૂન, 2012

h1

રોતલ ચહેરા

24/06/2012
 
નથી ખબર આ કયા જનમના ફેરા છે,
હાસ્યની નગરીમાં રોતલ ચહેરા છે.
કલ્પનાના રસ્તે કેમ વધું હું આગળ,
જોઉં છું આગળ તો કવિઓના ઘેરા છે.
આખા નગરમાં કાંસકાનાં કારખાનાં,
રહેનાર તેમાં બધાં જ ટાલકેરા છે.
શેર શરૂ થયા પે’લા સાંભળ્યું ‘વાહ, વાહ’,
માની લીધું ત્યારે બધાં જ અદકેરા છે.
‘સાગર’ બલાએ સજાવી છે મહેફિલ,
પરંતુ તેમાં બેઠેલા બધા બહેરા છે.
 
– ‘સાગર’ રામોલિયા
h1

એ પણ માણસ છે

17/06/2012
 
ચોર થઈ ચોરી કરતો એ પણ માણસ છે,
પાપનાં પોટલાં ભરતો એ પણ માણસ છે.

મનનો માનસિક તણાવ દૂર કરવા,
દારૂ પી મસ્ત ફરતો એ પણ માણસ છે.

ઓછી બુદ્ધિવાળો એ અનેક અત્યાચાર કરે,
અત્યાચારને આચરતો એ પણ માણસ છે.

મે’નત વગરનું જીવન જીવવા બને કપટી,
ખૂબ અનેકને છેતરતો એ પણ માણસ છે.

ઘેર ઘેર ભટકે છે પેટનો ખાડો પૂરવા,
ભીખ માગી માગી મરતો એ પણ માણસ છે.

‘સાગર’ પૂરાં કપડાં-પોષણ મળતાં નથી,
દીન બની નગ્ન ફરતો એ પણ માણસ છે.

– ‘સાગર’ રામોલિયા

h1

બની જાય છે

10/06/2012
ઈશ્વર અવળો ન્યાયદાર બની જાય છે,
કે સુખી અચાનક બેકાર બની જાય છે.

ગરીબ બિચારા તનતોડ મે’નત કરે,
ગુંડા રાતોરાત પૈસાદાર બની જાય છે.

મહેનતું મહેનત કરી-કરીને મરે,
ને ભિખારી નાણાં ધિરનાર બની જાય છે.

જગતમાં જરા કંઈક ચમત્કાર કરી,
સામાન્ય માણસ અવતાર બની જાય છે.

‘સાગર’ જિંદગીમાં નહિ રાખીએ ભાન તો,
જીવન દૂષણોનું શિકાર બની જાય છે.

– ‘સાગર’ રામોલિયા (date:24-6-92)

h1

જાવું છે

03/06/2012
મારે જાવું છે કુંજગલીમાં કોયલ સાથે ગાવા,
મારે જાવું છે ફૂલઘાટમાં ભમરા સાથે ન્હાવા.
કોયલ બોલે કૂ કૂ કરે,
મીઠા ટહુકે કુંજ ભરે.
હારે, મારે જાવું દેવના દર્શને નિરખી જોવા,
પ્રભુજીને વિનવીને મારે આજે દુ:ખડાં ખોવા.
આરતી થાય, નગારાં વાગે,
દર્શનથી તો દુ:ખડાં ભાગે.
હારે, મારે જાવું છે મોરલા પાસે નાચ નાચવા,
કે અષાઢી મેઘને જોઈ ચડતું ઘેન યાચવા.
મોરલા નાચે થન થન,
કે સાથે નાચે મારું મન.
હારે, મારે જાવું ગાઢ વન વાંદરા સાથે લડવા,
કે ઊંચાં ઊંચાં વૃક્ષો પર છલાંગ મારી ચડવા.
– ‘સાગર’ રામોલિયા