Archive for સપ્ટેમ્બર, 2010

h1

સાલા શબ્દ

30/09/2010

આજીજી કરતાં પણ ન આવે સાલા શબ્દ,
બિચારા કવિને ખૂબ મૂંઝાવે સાલા શબ્દ.

પાછળ દોટ મૂકી કવિએ મીંચીને આંખો,
મૃગજળની જેમ તડપાવે સાલા શબ્દ.

પામવા તેને દરદરની ઠોકરો ખાધી,
ભિખારીની જેમ આ લબડાવે સાલા શબ્દ.

શબ્દ એવું માને જાણે ગરજ છે પોતાની,
એના ચાહકને ગાંડા ગણાવે સાલા શબ્દ.

સૌ કહે ‘સાગર’ આ તે કેવો છે અન્યાય?
અમુક પાસે પૂંછડી પટાવે સાલા શબ્દ.

– ‘સાગર’ રામોલિયા

h1

દરિયાકિનારાની રેતી (Sand of Sea-shore)

23/09/2010

રેતીની વેદના અનુભવવા માટે નીચેની લિંક ક્લિક કરો અને મજેદાર રચના વાંચો..
http://sagarramolia.blogspot.com/2010/09/sand-of-sea-shore.html

h1

ગોરી તારા રાજમાં

20/09/2010

જ્વલે જ પારો ઊંચે ચડે ગોરી તારા રાજમાં,
બાકી તો રોજ નીચે પડે ગોરી તારા રાજમાં.

ચળ ઊપડતી જાણે રોજ તારા હાથમાં,
વેલણને મુશ્કેલી નડે ગોરી તારા રાજમાં.

અહીંની વહેતી હવા હોય જાણે અશ્રુવાયુ,
હર આંખે આંસુ દદડે ગોરી તારા રાજમાં.

અંતરની આગ બહાર કાઢી ન શકે કોઈ,
ઘરોઘર ઠામ ખખડે ગોરી તારા રાજમાં.

‘સાગર’ આ ગોરીને કોણ જઈને સમજાવે?
નશા વગર પગ લથડે ગોરી તારા રાજમાં.

– ‘સાગર’ રામોલિયા

h1

આ નગરમાં

13/09/2010
આ અટવાયું નગર આ નગરમાં,
દમીયેલ બધાં ઘર આ નગરમાં.

ચતુર ને ચંચળ છે અહીંના લોકો,
મુંડે અસ્તરા વગર આ નગરમાં.

કહો કાનાને અહીં ચક્ર નહિ ચાલે,
કંસ છે બંદૂકધર આ નગરમાં.

ઊભરાતું કીડીયારું રેંકડીઓમાં,
મોંઘેરા છે સ્વાદવર આ નગરમાં

‘સાગર’ કરી છે બલાએ બાપામારી,
મારો ખોવાયો છે વર આ નગરમાં.

– ‘સાગર’ રામોલિયા
h1

મૂરતિયો કમાલ છે

08/09/2010

મારી આ હઝલ વીણેલામોતી.કોમમાં મૂકેલ છે. પરંતુ તેની વિડિયો ફાઇલ સાથે નીચેની લિંક પર ફરીથી મૂકું છું. લિંક પર ક્લીક કરો, વિડિયો જુઓ અને વધુ હસો…
http://sagarramolia.blogspot.com/2010/09/blog-post_05.html

કાચબા જેવી ઢાલ છે, બાકી મૂરતિયો કમાલ છે,
કાયમી ફાટેલ ગાલ છે, બાકી મૂરતિયો કમાલ છે.

બાકી હતું તો પ્રભુએ હાથમાં લકવો દીધો,
થોડીક ખાંગી ચાલ છે, બાકી મૂરતિયો કમાલ છે.

ખેડાયેલું ખેતર થોડા વાળથી ઢાંકવા મથે,
પોણા ભાગમાં ટાલ છે, બાકી મૂરતિયો કમાલ છે.

‘વનવે’ નજર છે, નાકની નદી છે બે કાંઠે,
આંખોના બૂરા હાલ છે, બાકી મૂરતિયો કમાલ છે.

‘સાગર’ એનાં વખાણ તો કરો એટલાં ઓછાં,
કાનમાં હડતાલ છે, બાકી મૂરતિયો કમાલ છે.

‘સાગર’ રામોલિયા

h1

સહનશીલ

02/09/2010
જગતમાં
સહન કરે,
બે જ પાત્ર…
એક જનેતા
અને
બીજી
જનતા…

.
.
હાથી, ઘોડા, પાલખી, જય કનૈયાલાલ કી…
.
– ‘સાગર’ રામોલિયા