Archive for નવેમ્બર, 2019

h1

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-૧૫

24/11/2019
તું સિવિલ એન્‍જીનિયર…..?
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-૧૫)
          એક વખત અમારા સંબંધીને મકાનનો પ્‍લાન બનાવવાનો હતો. એના માટે એન્‍જીનિયર પાસે જવાનું હતું. આ બાબતમાં એય અજાણ્‍યા અને હુંય અજાણ્‍યો. અન્‍યને પૂછીને એક ઓફિસમાં પહોંચ્‍યા. ઓફિસની ઝાકમઝોળ સરસ હતી. રિસેપ્‍શનમાં બેઠેલ યુવતીએ મીઠો આવકાર આપ્‍યો. અમે અમારી વાત કરી. એટલે તેણે કહ્યું, ‘‘સાહેબ હમણા આવશે. બેસો.” અમે સાહેબની વાટ જોઈને બેઠા.
          થોડીવાર થઈ. એક યુવાન ઓફિસમાં પ્રવેશે છે. તેનું ઘ્‍યાન મારા ઉપર પડયું અને થોભી ગયો. ત્‍યાંના કર્મચારીઓ ઊભા થઈ ગયા. એટલે મેં અંદાજ માર્યો કે, આ એના સાહેબ હોવા જોઈએ. મારી પાસે આવીને મને પગે લાગે છે. હવે હું એની સામે જોતો રહી ગયો. ત્‍યાંના કર્મચારીઓ તો એકીટશે જોતા રહી ગયા. તે યુવાને પોતાની ઓફિસમાં આવવા કહ્યું. અમે તેની સાથે ગયા. તેણે પોતાની ખુરશી ઉપર મને બેસાડયો. તે સામે બેઠો. હજી વધારે વાત થઈ નહોતી.
          બહાર નામ તો વાંચ્‍યું હતું. તેનું નામ અજય જમનાદાસ ઘેલાણી. તેના વર્તન ઉપરથી હવે મને યાદ આવ્‍યું. તે મારા પાસે ભણતો. ભણવામાં ઠીક-ઠીક હતો. પણ ચિત્રકામ નબળું હતું. કયાંક કોઈ આકૃતિ દોરવાની હોય તો તેમાં શું દોર્યું છે તે ખબર ન પડે. એટલે ઘણી વખત ખીજાવું પણ પડતું. તેના લીધે વાંચવા-લખવામાં થોડું ઘ્‍યાન વઘ્‍યું, પણ ચિત્ર તો નબળું જ રહ્યું. સારું ચિત્ર દોરવા માટે મેં તેને ઘણી સલાહ અને માર્ગદર્શન આપેલ. પણ ત્‍યારે તો કોઈ અસર થઈ નહોતી.
          તે બોલ્‍યો, ‘‘રામોલિયાસાહેબ! મને ઓળખ્‍યો?”
          મેં જવાબ આપ્‍યો, ‘‘હા, તને જોઈને તો ન ઓળખી શકયો, પણ તારું નામ જોઈને તારું ફિલ્‍મ નજર સામેથી પસાર થઈ ગયું. પણ તું સિવિલ એન્‍જીનિયર છો એ જાણીને તો આશ્ચર્ય થાય છે.”
          તે કહે, ‘‘એમાં આશ્ચર્ય શેનું?”
          મેં કહ્યું, ‘‘આમાં તો પ્‍લાન બનાવવામાં ચિત્રાંકન વધારે આવે. તું ભણતો ત્‍યારે તને ચિત્રકામ તો ફાવતું નહિ! છતાંયે તું સિવિલ એન્‍જીનિયર…? પ્‍લાન દોરતા આવડે છે કે આડાઅવળું કરીને ડિગ્રી મેળવી લીધી છે?”
          તે કહે, ‘‘સાહેબ! ડિગ્રી સાચી જ છે. તમારા પાસેથી નીકળ્‍યા પછી મને થયું કે સાહેબ મારી પાછળ મહેનત કરતા અને મને શિખામણ આપતા હતા તે સાચું હતું. ચિત્રકામ કયાંક તો કામ લાગશે જ. એટલે હું તે શીખવા લાગ્‍યો. ધીમે-ધીમે ફાવી ગયું. ધો. 10માં સારું પરિણામ આવતાં એન્‍જીનિયર બનવાનું નક્કી કર્યું. તેમાંયે શીખેલા ચિત્રકામનો ઉપયોગ યાદ આવ્‍યો. એટલે સિવિલ એન્‍જીનિયર બનવાનું જ નક્કી કર્યું. અને એક વાત કહું, સાહેબ! આજે હું સારા પ્‍લાન બનાવી શકું છું અને કામ ખૂટતું પણ નથી.”
          મેં કહ્યું, ‘‘સરસ, ભાઈ સરસ! તેં મારી શિખામણની લાજ રાખી ખરી! મારી શિખામણ વ્‍યર્થ ન ગઈ. આ વાત જાણીને મને ખૂબ આનંદ થયો.”
          તે કહે છે, ‘‘પણ સાહેબ! આજે તો તમે આ બાજુ ભૂલા પડ્યા? તમારે મારું શું કામ પડયું?”
          મેં કહ્યું, ‘‘મારે નહિ, પણ મારા આ સંબંધીને નવું મકાન ચણવું છે. તેનો પ્‍લાન બનાવવાનો છે. તું બનાવીશને?”
          તે કહે, ‘‘સાહેબ! મારા માટે તો આ આનંદ અને ગૌરવની વાત છે કે મારા ગુરુજી મારે ત્યાં આવ્યા છે. એવો પ્‍લાન બનાવી દઈશ કે સૌ ખુશ થઈ જશે અને હું પાસ પણ કરાવી દઈશ.”
          અને ખરેખર, આ અજયે સરસ પ્‍લાન બનાવી દીધો. જે જાણે ચિત્રકામનો દુશ્‍મન હતો, તે આજે આવા સરસ પ્‍લાન બનાવી શકે છે. મનમાં કોઈ બાબત શીખવાની ધૂન લાગે તો ન આવડતી બાબત પણ આવડી જ જાય છે. જેનું ઉદાહરણ મારા માટે આ અજયરૂપે સાક્ષાત થયું હતું.
                                        – ‘સાગર’ રામોલિયા
h1

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-14

12/11/2019
દોરડાં તો ચંગુભાઈનાં!
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-14)
          આપણે સંસારમાં રહેનારા. ખબર નહિ, કયારે કઈ વસ્‍તુ લેવા નીકળવું પડે. આપણને સ્‍વપ્‍નેય ખ્‍યાલ ન હોય એવી વસ્‍તુ લેવા નીકળવું પડે. એ વસ્‍તુ એવી પણ હોઈ શકે, કે જેનો ઉપયોગ આપણે કયારેય કર્યો ન હોય, કે કરવો પડે તેમ પણ ન હોય.
          મારે પણ આવું જ બન્‍યું. ગામડે રહેતા મારા સંબંધીનો ફોન આવ્‍યો કે, એક જાડું દોરડું લેવાનું છે. લઈને મોકલી દેજો. પણ ઈ દોરડું ચંગુભાઈ પાસેથી લેવાનું છે. એના જેવું દોરડું કોઈનું નથી આવતું. તેમણે મને જે જગ્‍યા કહી, એ જગ્‍યા તો મારી શાળાના રસ્‍તે જ આવતી હતી. પણ મેં કયારેય ચંગુભાઈનાં દોરડાં જોયાં નહોતાં. કારણ કે, એ મારા માટે જરૂરિયાતની ચીજ નહોતી. આપણે જે ચીજની જરૂર હોય, તેનું ઘ્‍યાન આપણે રાખતા હોઈએ. કયારેક તેના માટે પણ કોઈને પૂછવું પડતું હોય. તો આ તો મારા માટે અજાણ્‍યું હતું.
          કહેલી જગ્‍યાએ હું પહોંચ્‍યો. ત્‍યાં દોરડાં લેવાવાળા ઘણા હતા. એટલે મને થયું ચંગુભાઈ પ્રખ્‍યાત તો લાગે છે! ચંગુભાઈ તરફ મારું ઘ્‍યાન ગયું. લઘરવઘર મેલાં કપડાં. ઉપર બંડી ને નીચે ધોતિયું. માથે બાંઘ્‍યું હતું મેલું ફાળિયું. થોડીવાર પછી ચંગુભાઈની નજર મારા ઉપર પડી. ઊભા થઈને મારી પાસે આવે છે.
          તે કહે, ‘‘આવો, આવો રામોલિયાસાહેબ! ધન્‍ય ઘડી ધન્‍ય ભાગ્‍ય. તમારા પગલે મારી આ ઝૂંપડી પાવન થઈ ગઈ. આજે તો તમે અહીં પધાર્યા?”
          મને થયું, આ લઘરવઘરને બોલતા તો સારું આવડે છે. મને ઓળખે પણ છે. કદાચ આ ચંગુભાઈ એટલે મારા પાસે ભણતો હતો તે ચંગુ રામા સોલંકી હોવો જોઈએ. તેને પાતળા દોરામાંથી જાડી દોરીઓ બનાવવાની ટેવ તો નાનપણમાં પણ હતી. ખરું કહું તો, આ એક વિદ્યાર્થી એવો નીકળ્‍યો હતો, કે વારંવાર કરાવવા છતાં ‘ક’ને ઓળખવામાં પણ ભૂલ કરતો. એના ઉપર શામ, દામ કે દંડની કોઈ નીતિ કામ આવી નહોતી. કોઈ વળી બોલશે, કે વિદ્યાર્થીમાં વળી દામની વાત કયાં આવી! તો તેના ઉપર વાપરવા માટે દામ આપવાની નીતિ પણ અપનાવી હતી. છતાં જરાયે ફરક ન પડયો. આજે એ જ ચંગુને ચંગુભાઈ તરીકે જોયો. લોકો તેની ‘વાહ વાહ’ કરતા હતા. મારા તો આશ્ચર્યનો પાર નહોતો.
          તે બોલ્‍યો, ‘‘સાહેબ, હું ચંગુ રામા સોલંકી.”
          મેં કહ્યું, ‘‘હા, ભાઈ હા! એ તો મેં અનુમાન મારી લીધું હતું. તારી તો કાંઈ ‘વાહ વાહ’ થાય છે ને!”
          તે કહે, ‘‘આ રસ્‍તો તમે તો દેખાડયો હતો. તમે તો કહ્યું હતું કે, ભણવામાં તો તારો ગજ વાગતો નથી. તો પછી દોરડાં તો સારાં બનાવજે!”
          હું મજાકમાં બોલ્‍યો, ‘‘એટલે જ તું ભણ્‍યો નહિ અને દોરડાં બનાવવામાં લાગી ગયો?”
          તે કહે, ‘‘શું સાહેબ, તમેય! મારે તો ભણવું જ હતું. પણ આ ઉપલા માળમાં એ યાદ રાખવાની જગ્‍યા હોય તો યાદ રહેને!”
          મેં પૂછયું, ‘‘તો પછી આ દોરડાં બનાવવાનું કેમ યાદ રહ્યું?”
          તે બોલ્‍યો, ‘‘ઈ તો બધી ઉપરવાળાની ઈચ્‍છા. ઈ એક જ ફાવતું હતું અને વધારે ફાવી ગયું. એટલે જેવાં દોરડાં બનાવું, એવાં જ વેંચાય જાય. બાકી તો દુવા તમારા જેવાની. આપણો ધંધો ધમધોકાર ચાલે છે.”
          મને કહેવત યાદ આવી ગઈ, ‘ઈશ્વર એક હાથે છીનવે છે, તો બીજા હાથે આપેય છે.’ આ ચંગુનું ભણવાનું પાસું જાણે છીનવાય ગયું હતું, તો દોરડાં બનાવવાનું પાસું બળવાન બની ગયું હતું. દૂર રહેતા લોકોના મુખે પણ ચંગુભાઈનું નામ સંભળાય. આનાથી મોટી પ્રગતિ કઈ હોઈ શકે? આવું શિક્ષણ આપવામાં તો શિક્ષક પણ પાછો પડે.
                                        – ‘સાગર’ રામોલિયા
h1

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-13

09/11/2019
એ જ હતું એક લક્ષ્ય
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-13)
          એક વખત શહેરના ટાઉનહોલમાં સંગીતનો કાર્યક્રમ હતો. ગાવું-વગાડવું આપણું કામ નહિ, પણ કોઈ સારું ગાતું હોય તો સાંભળવું તો જરૂર ગમે. હું પણ ગયો એ કાર્યક્રમ જોવા-સાંભળવા. ટાઉનહોલમાં મેદની હકડેઠઠ હતી. ઘણું જોયું, પણ બેસવાની કયાંય જગ્‍યા ન મળે. હું આમતેમ જોતો હતો, ત્‍યાં કાર્યક્રમના આયોજકની નજર મને જોઈ ગઈ. મને એ ઓળખે. એટલે આગળની હરોળમાં જ્યાં ખાસ જગ્‍યા રાખેલી હતી ત્‍યાં મને બેસાડી દીધો.
          કાર્યક્રમ શરૂ થયો. સરસ-સરસ ગીતો ગવાતાં હતાં. ખૂબ મજા આવતી હતી. સાત-આઠ ગીત પછી જાહેર થયું કે, ‘‘હવે પછીનું ગીત રજૂ કરવા આવે છે તમારા જ શહેરની અને કાર્યક્રમમાં રંગત લાવી દેનારી ગાયિકા સપના રાઠોડ.” મનમાં થયું, ‘યહ નામ કુછ સુના સુના-સા લગતા હૈ.’ વળી થયું, જે હોય તે, આપણે તો ગીતોની મોજ લેવાની છે.
          સપનાએ ગાવાનું શરૂ કર્યું. સરસ અવાજ હતો અને સરસ ગાતી હતી. ગાવાની સાથે લટકાં- ઝટકાં પણ કરી લેતી હતી. સૌ જાણે તેને સાંભળવામાં મશગૂલ બની ગયા હતા. હું પણ એક ઘ્‍યાનથી સાંભળતો હતો. તેવામાં તેની નજર મારા ઉપર પડી. ગીતની વચ્‍ચે સંગીતનો લય આવ્‍યો. ત્‍યારે તે લટકાં-ઝટકાં કરતી સ્‍ટેજથી નીચે ઊતરી. મારી સામે આવી ઊભી રહી. મને થયું આ અહીં કેમ આવી હશે! ત્‍યાં તો તે મને પગે લાગી અને ધીમેથી બોલી, ‘‘આ ગીત પછી મારે તમને મળવું છે. આ બાજુ આવજો.” તે મને પગે લાગી હતી, એટલે કોઈ અમંગળ વિચારોએ ન સતાવ્‍યો. થોડીવાર પછી તાળીઓના ગડગડાટ સાથે તેનું ગીત પૂરું થયું. સ્‍ટેજની બાજુમાં થોડી જગ્‍યા હતી અને ત્‍યાં બહાર નીકળવાનો દરવાજો હતો. ત્‍યાં તે આવી. એટલે હું ગયો.
          તે બોલી, ‘‘રામોલિયાસાહેબ, મને ઓળખી?”
          હું બોલ્‍યો, ‘‘અહીં તારો પરિચય તો અપાયો હતો. એટલે એ રીતે ઓળખું છું.”
          તે કહે, ‘‘સાહેબ, બીજું કંઈ યાદ નથી આવતું? મારું નામ સપના મનીષભાઈ રાઠોડ છે. સાક્ષરતા અભિયાનને યાદ કરો!”
          હવે મગજ બરાબર ગાવા લાગ્‍યું. આ સપના ત્‍યારે ચોથા ધોરણમાં ભણતી હતી. તે સમયે સાક્ષરતા અભિયાન ચાલતું હતું. લોકોમાં જાગૃતિ લાવવા માટે શાળાની નજીકના વિસ્‍તારોમાં જઈને કાર્યક્રમો કરવાના હતા. બાળકો પાસે આ કાર્યક્રમો તૈયાર કરાવવાની જવાબદારી મેં લીધી હતી. હું કાર્યક્રમ માટે બાળકોની પસંદગી કરતો હતો. ત્‍યારે સપના ત્‍યાં આવી અને બોલી, ‘‘મારે પણ પ્રોગ્રામમાં રહેવું છે.” મેં પૂછયું, ‘‘તને શું આવડે છે?” તે કહે, ‘‘ગીત ગાઉં?” અને ગાવા લાગી. સાંભળીને મેં કહ્યું, ‘‘તારો અવાજ તો સરસ છે. મોટી થઈને સારી ગાયિકા બની શકીશ. પણ દીકરી! અત્‍યારે તો ભણવામાં ઘ્‍યાન આપવાનું.” પછી તો કાર્યક્રમ થયો. સપનાએ ખૂબ સારું ગાયું. મ્યુનિસિપલ કમિશનર તરફથી તેને ઈનામ પણ અપાયું. અને હા, પછી ભણવા બાબત તેની કોઈ ફરિયાદ રહેતી નહોતી. શાળામાં કોઈ કાર્યક્રમ હોય તો તે ભાગ લેતી જ.
          મેં તેને કહ્યું, ‘‘તેં તો ખૂબ સારી પ્રગતિ કરી. લોકો તને સાંભળવા આતુર હતા.”
          તે બોલી, ‘‘તમે જ તો આ રસ્‍તો દેખાડયો હતો. પછી તો ગાયિકા બનવું એ જ એક લક્ષ્ય હતું. હાઈસ્‍કૂલમાં હતી ત્‍યારથી જ એક સંગીતશાળામાં પણ શીખવા જવા લાગી. લય-તાલ બધું વ્‍યવસ્‍થિત શીખ્‍યું. જેમ સંગીતમાં ધૂનનું મહત્‍વ હોય, તેમ મારા મનમાં પણ ધૂન હતી કે સારી ગાયિકા બનવું જ છે. અને બની પણ શકી. આજે મને ખૂબ સંતોષ છે. તમારો પણ ખૂબ આભાર કે મને આ રસ્‍તો દેખાડયો. લોકોને આનંદ કરાવવામાં મને પણ આનંદ આવે છે.”
          મને થયું, જે એક ધૂન પકડીને બેસી જાય, તેને સફળ થતાં કોઈ રોકી શકતું નથી. બસ મનમાં લયબદ્ધ ધૂન વહેતી રહેવી જોઈએ કે મારે આ કરવું છે. મેં સપનાને શુભેચ્‍છા આપી અને પછી સપના તેમજ અન્‍ય ગાયકોના ગીતો મનને નચાવીને માણ્‍યાં.
                                   – ‘સાગર’ રામોલિયા