Archive for ફેબ્રુવારી, 2019

h1

મને

17/02/2019

મને (ગઝલ)

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)

આમ થોડો એમ ઝાઝો રોજ કાં કાપો મને!

આશા તો છે એટલી, થોડોક – પણ છાપો મને.

રાત છે ઠંડી ઘણી ને ઠૂઠવે સંસાર છે,

ને થયો હું તાપણું, આવી અહીં તાપો મને.

એટલી વીતી શી વય? સંબોધનો બદલાય છે,

કોઈ ભાઈ કોઈ કાકો કોઈ કે’ બાપો મને.

હોય ‘સાગર’ને શું? મસ્તીમાં રહે એ રાચતો,

વામણો માનવ હું, મોટાઈમાં ન માપો મને.

ના ગઝલ આપી શકું, ‘સાગર’ ગુનો મારો નથી,

કો’ દુભાયું મન હશે, મળ્યા હશે શ્રાપો મને.

‘સાગર’ રામોલિયા

h1

છેતાળીસનો થયો

01/02/2019

છેતાળીસનો થયો
**************

પડતાં-આખડતાં આટલે પહોંચી જ ગયો,
આજે હું છેતાળીસનો થઈ જ ગયો.

વાંધા-વચકાં થયાં હશે
ને કદી મુખ મલક્યાં હશે,
ગલી-ગલીના નાકે ત્યારે,
દોસ્તીનાં તીર વછૂટયાં હશે;
આમ કરતાં સમય સરકી જ ગયો,
આજે હું છેતાળીસનો થઈ જ ગયો.

ક્યારેક વળી તડાફડીમાં
સમય પણ અટવાયો હશે,
છતાંયે એમાંથી ત્યારે
કોઈક તો માર્ગ કઢાયો હશે;
આમ સમય તો સાવધાન વર્તી જ ગયો,
આજે હું છેતાળીસનો થઈ જ ગયો.

કોઈએ નફરત કરી હશે,
તો કોઈએ ચાહ્યો પણ હશે,
આ ‘સાગર’ કોઈ હૈયે તો
આનંદ બની લહેરાયો પણ હશે;
જિંદગીનું આ સુખ જાણી મલકી જ ગયો,
આજે હું છેતાળીસનો થઈ જ ગયો.

‘સાગર’ રામોલિયા
તા. ૧/૨/૨૦૧૯