Archive for મે, 2012

h1

લે હવે હાલતો થા!

27/05/2012
ખૂબ નાચ્યો, ખૂબ ડોલ્યો, લે હવે હાલતો થા!
ચંદ્ર સૂર્ય સાથે તોલ્યો, લે હવે હાલતો થા!

શું બોલ્યો એનું ભાન ન રાખ્યું, બોલ્યે રાખ્યો!
મૂર્ખામીનો ખજાનો ખોલ્યો, લે હવે હાલતો થા!

ઈર્ષા રાખીને તું બીજાનું કામ કરવા ગયો?
કામ ન થયું હાથ છોલ્યો, લે હવે હાલતો થા!

સ્થળ-સમયનું ભાન રાખી રહે મારા ભાઈ!
હતું તેનું જુદું બોલ્યો, લે હવે હાલતો થા!

‘સાગર’ તારી ત્રેવડ હતી એટલું તો મથ્યો,
સમયને તેં ખૂબ ઠોલ્યો, લે હવે હાલતો થા!

– ‘સાગર’ રામોલિયા

h1

શું કરું?

20/05/2012
આઘે ન જવાય શું કરું?
પાસે ન રે’વાય શું કરું?

પેટમાં થયો છે અપચો,
અન્ન ન ખવાય શું કરું?

આંખો બની ગઈ અંધ,
કંઈ ન દેખાય શું કરું?

દુ:ખ દુભાવે છે મનમાં,
આંસુ ન સુકાય શું કરું?

યત્ન કરું હર્ષ માણવા,
માણ્યું ન મણાય શું કરું?

‘સાગર’ મનાવ્યું મનને,
તોયે ન મનાય શું કરું?

– ‘સાગર’ રામોલિયા