Archive for એપ્રિલ, 2010

h1

હઝલ-બલા અને તેનો સાજન

27/04/2010

તું ધગતો ધણી, હું તારી બાયડી સાજન,
જનમોના પાપે હું તને આથડી સાજન.
તારી કે મારી કોઈ ખબર નથી લેતું,
તૂટ્યું જોડું તું, હું પનોતી ચાખડી સાજન.
તારા-મારા અવાજે લોકો કાને હાથ દેતાં,
તું કૂડો કાગડો, હું કાળી કાગડી સાજન.
મળશે નહિ તારા-મારા સંબંધનો જોટો,
તું ઊનો ઢેબરો, હું ઊની તાવડી સાજન.
બલા કહે ‘સાગર’ મોઢાં સડેલાં આપણાં,
તોયે બંનેને જોવા થાય પડાપડી સાજન.
– ‘સાગર’ રામોલિયા

h1

હઝલ-બધે નડે

22/04/2010

કરમ-બુંધિયાર બધે આડા નડે,
ભેંસને દોહવા જતાં પાડા નડે.

બાયલા પણ આગળ વધવા મથે,
રસ્તા ઉપર પડેલા ખાડા નડે.

દારૂડિયાને એમ ખૂબ પીને ઊડું,
ને સરકારી નિયમોના વાડા નડે.

દુર્બળને શાંતિથી જીવવાનો શોખ,
ગુંડા પહેલવાનના અખાડા નડે.

‘સાગર’ને નીકળવું છે સારા કામે,
વચ્ચે રોજ બલા જેવા બિલાડા નડે.
                           – ‘સાગર’ રામોલિયા

h1

હઝલ-બલા(મુસીબત) બોલી બેફામ

19/04/2010

હવે જામી ગયો જંગ, બલા બોલી બેફામ,
કાગડીને રાખી સંગ, બલા બોલી બેફામ.
ભાડે લીધો અવાજ કૂતરાં-મીંદડાં તણો,
પૂંછડી રાખીને તંગ, બલા બોલી બેફામ.
દુનિયાનો સમુદ્ર જાણે તેનામાં સમાયો,
મોઢેથી કાઢી તરંગ, બલા બોલી બેફામ.
મહા તપસ્વીઓને પણ રહ્યું નહિ ભાન,
કરતી તપનો ભંગ, બલા બોલી બેફામ.
‘સાગર’ ગળી ગઈ હો’ જાણે આખી બંદૂક,
નિશાન તાકી અઠંગ, બલા બોલી બેફામ.

                                   – ‘સાગર’ રામોલિયા

h1

હઝલ-રાજા

17/04/2010

ભાજીપાલો ખૂબ ખાતા રાજા,
ઝટ કળશિયે જાતા રાજા.
જાણ્યું-ન જાણ્યું ને ગુસ્સો આભે,
થઈ જાતા ખૂબ રાતા રાજા.
વાતાનુકૂલમાં પડ્યા રહી,
ગરમ પાણીથી ના’તા રાજા.
નિર્દોષ હોય તો આપે ફાંસી,
દાદાઓનાં ગીત ગાતા રાજા.
‘સાગર’ બલાનું મન ભમ્યું,
છેલ્લે ઊંધે ખાટ થાતા રાજા.

                              – ‘સાગર’ રામોલિયા

h1

હઝલ-ચમચો ન થા

14/04/2010

થાજે   તું  બધું  પણ   ચમચો ન  થા,
હવામહેલ    ચણ    ચમચો    ન    થા.
કામ  મળે  ન  બીજું   કર   ન   ચિંતા,
ભલે  કૂતરાં   ગણ   ચમચો   ન    થા.
તું    નરબંકો     તું     વીર     બહાદુર,
ભલે    ઉંદર    હણ   ચમચો   ન   થા.
કાંદા   ખાઇ  ભલે  આંખે  રાખ  આંસુ,
મનમાં   રાખ   રણ   ચમચો  ન   થા.
‘સાગર’   બાફ્યું   ઉતાવળે   બલાએ,
એ, છક્કા જેવા જણ ચમચો ન થા.
                          -‘સાગર’ રામોલિયા

h1

હઝલ-ચમચો

12/04/2010

નેતા-પ્રજા વચ્ચેનો પુલ ચમચો,

કૌભાંડના   ખીલવે   ગુલ   ચમચો.

મીઠી વાણીથી પ્રજાને ભોળવતો,

જાણે     મીઠુંડું    બુલબુલ    ચમચો.

શરીરે આવે ઘાટી એમાં શું માલ?

ખોરાક  ખાય  છે    ‘અમૂલ’   ચમચો.

વગર    પૈસે    કોઈ    કામ   કરી  દે,

કરે     ન     એવી     ભૂલ      ચમચો.

‘સાગર’  બલાની  કરો  ચમચાગીરી,

ફાયદો    કરાવે    અતુલ     ચમચો.

(અમૂલ-દૂધ, ઘી, માખણ વગેરે,

અતુલ-તુલના વગર)

                         –  ‘સાગર’ રામોલિયા

h1

હઝલ-રોતલ ચહેરા

11/04/2010

નથી ખબર આ કયા જનમના ફેરા છે,

હાસ્યની નગરીમાં રોતલ ચહેરા છે.

કલ્પનાના રસ્તે કેમ વધું હું આગળ,

જોઉં છું આગળ તો કવિઓના ઘેરા છે.

આખા નગરમાં કાંસકાનાં કારખાનાં,

રહેનાર તેમાં બધાં જ ટાલકેરાં છે.

શેર શરૂ થયા પે’લા સાંભળ્યું ‘વાહ, વાહ’,

માની લીધું ત્યારે બધાં જ અદકેરાં છે.

‘સાગર’ બલાએ સજાવી છે મહેફિલ,

પરંતુ તેમાં બેઠેલાં બધાં બહેરાં છે.

                                    – ‘સાગર’ રામોલિયા