જ્યારે પાળ્યું
બે મિનિટનું મૌન,
ત્યારે
ગાંધીજી આવ્યા સ્વપ્નમાં
ને બોલ્યા,
તમે બધા મૂગા કેમ બેઠા છો?
જવાબ આપવા
મેં ખોલ્યું મુખ,
ત્યાં બે મિનિટ પૂરી થઈ…
– ‘સાગર’ રામોલિયા
સુગંધથી ખબર ફેલાવતું ફૂલ,
નિત નવી સવારીએ આવતું ફૂલ.
મધમાખી-ભમરા છડીદાર તેના,
રાહી-અ-રાહીને લલચાવતું ફૂલ.
વાદળોને નચાવી વગડાવ્યા ઢોલ,
મંદ-મંદ હસીને હસાવતું ફૂલ.
નાકને બનાવી દે દિવાના પોતાનાં,
આરોહ-અવરોહ કરાવતું ફૂલ.
અનેરાં છે રૂપ, એની અનેરી અદા,
નજર નાખો તો ભરમાવતું ફૂલ.
સુગંધના ‘સાગર’માં ડૂબી મહાલો,
અજાયબ ખેલ ત્યાં ખેલાવતું ફૂલ.
-‘સાગર’ રામોલિયા
સખી તારી વાતડીમાં પતંગો ઊડે,
પતંગો ઊડે આભ-ધરતીને સાંધે,
સખી તારી…
ખાલી મનમાં નવો ઉમંગ ભરવા,
મીઠી મીઠી વાતોથી મનને હરવા,
લાગણીથી લાગણીના તંતુને બાંધે,
સખી તારી…
તલસાંકળી, મમરાના લાડુ લીધા,
ખુશ રહીને ખુશીનાં અમૃત પીધાં,
બધે માનવતાનાં મિષ્ટાન્ન રાંધે,
સખી તારી…
સંપનો બાગ કેવો લાગે અનેરો,
સહકારના આયનામાં ખીલે ચહેરો,
પછી ઉકેલ મળી જાય વાંધે-વાંધે,
સખી તારી…
– ‘સાગર’ રામોલિયા