Archive for મે, 2013

h1

પ્રેમને પાંખો ફૂટી

26/05/2013

પ્રેમી પંખીડાં ઊડ્યાં, પ્રેમને પાંખો ફૂટી,

મુક્ત ગગને વિહર્યાં, પ્રેમને પાંખો ફૂટી.

 

ક્યાંક કોયલનું કુહૂકુહૂ, ક્યાંક મોરનો ટહુકાર,

મસ્ત મનથી કૂજ્યાં, પ્રેમને પાંખો ફૂટી.

 

એકમેકમાં ખોવાઈને ઘણું તેઓ નાચ્યાં,

ગીતો ખૂબ ગણગણ્યાં, પ્રેમને પાંખો ફૂટી.

 

લીલી વનરાઈઓની શીળી છાંયામાં,

મન મૂકીને રમ્યાં, પ્રેમને પાંખો ફૂટી.

 

‘સાગર’ સંસારનું બંધન કેમ કરી સહે?

જેઓ પૂર્ણ પ્રેમ પામ્યાં, પ્રેમને પાંખો ફૂટી.

 

– ‘સાગર’ રામોલિયા

h1

ખોવાયો હું (ગઝલ)

19/05/2013

(ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગા)

 

કોઈ આવીને શોધો, ખોવાયો હું,

કોઈ નામે સંબોધો, ખોવાયો હું.

 

ગફલત મારી આવી થૈ શાના લીધે?

નો’તા કોઈ અવરોધો, ખોવાયો હું!

 

રસ્તો ભૂલ્યો ચેતીને ચાલ્યો તોયે,

પાછળ પડ્યો’તો ગોધો, ખોવાયો હું!

 

શોધો શોધો, મુશ્કેલીમાં પડ્યો છું,

કરુણાના પાડો ધોધો, ખોવાયો હું.

 

‘સાગર’ સૌનો શોધ્યો ક્યાં શોધાવાનો?

શોધે આવી કો’ યોદ્ધો, ખોવાયો હું.

 

–         ‘સાગર’ રામોલિયા