h1

ચિંતા

23/05/2022

ચિંતા તો આવે-જાય, આપણે શું લેવાદેવા,
બસ, આનંદથી જીવવા, પાડવા એના હેવા.

એતો કદી અહીં હોય, તો કદી હોય ત્યાં,
મનને મૂંઝારો ચડે, એ હોય જ્યાં;
તેથી ડરી જાય દિલના જેવા-તેવા,
ચિંતા તો આવે-જાય, આપણે શું લેવાદેવા!

નબળા મનવાળા પાસે સદા એનો વાસ,
એટલે ત્યાં પેસારો કરવા રહે તૈયાર ખાસ;
કદી ન ખસે, જ્યાં થાય એની સેવા,
ચિંતા તો આવે-જાય, આપણે શું લેવાદેવા!

એટલે તો કહું છું, મૂકો એને તડકે,
નજીક ન આવે કે ન કદી અડકે,
આનંદથી ઝૂમો, મોજથી રહેવા,
ચિંતા તો આવે-જાય, આપણે શું લેવાદેવા!

  • ‘સાગર’ રામોલિયા
h1

વરસાદને કયાં ખબર છે?

22/07/2021

વરસાદને કયાં ખબર છે!

કોણ કેટલું ભીંજાય છે? વરસાદને કયાં ખબર છે!
મનમાં શું-શું થાય છે? વરસાદને કયાં ખબર છે!

એને તો બસ વરસવું, બીજું કામ પણ શું?
બાર-બાર નામ ધરે, એવુંય ગાંડપણ શું?
કોણ કયાં અટવાય છે? વરસાદને કયાં ખબર છે!
ને કયાં જઈ ભટકાય છે? વરસાદને કયાં ખબર છે!

આવવું-આવવું થાય, તોયે કયાં આવે છે?
ને જાવું-જાવું થાય, ત્યારે પણ હંફાવે છે.
માનવ કેવો મૂંઝાય છે? વરસાદને કયાં ખબર છે!
ને કયાં લપસી જાય છે? વરસાદને કયાં ખબર છે!

  • ‘સાગર’ રામોલિયા
h1

Thanda-Hariyala Pradeshma ઠંડા-હરિયાળા પ્રદેશમાં

19/03/2021
h1

Palepal Jivi Lo પળેપળ જીવી લો

01/01/2021

h1

વરસનું સરવૈયું

31/12/2020

વર્ષનું સરવૈયું (ગઝલ)

(લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)

ખુશી સાથે ગમો લાવ્યું, ગજબનું આ વરસ આવ્યું.

જરા નિષ્ફળ જરા ફાવ્યું, ગજબનું આ વરસ આવ્યું.

કદી’ જાલિમ બની આવ્યું, પરેશાની ધરી દીધી,
કદી’ જીવનને સોહાવ્યું, ગજબનું આ વરસ આવ્યું.

ઘણાં એમાં ડરી ભાગ્યાં, ઘણાં ઘરમાં જઈ બેઠાં,
ઘણાંએ એને અજમાવ્યું, ગજબનું આ વરસ આવ્યું.

સુધાર્યા શીખવી પાઠો, ને કો’ને મૂંઝવી દીધા,
મગજ કોઈનું દંડાવ્યું, ગજબનું આ વરસ આવ્યું.

કદી’ ‘સાગર’ બધાં કષ્ટોય ભૂલી વીરલાઓએ,
વરસને ખૂબ દીપાવ્યું, ગજબનું આ વરસ આવ્યું.

  • ‘સાગર’ રામોલિયા
h1

Mara Thoth Vidyarthio

27/10/2020

h1

એવું નથી

10/08/2020

એવું નથી (ગઝલ)

(ગાલગાગા ગાલગાગા ગાલગા)

ઊંઘવા લાગી ગયો એવું નથી,

લાગલો જાગી ગયો એવું નથી.

સાદથી ઊંચા ભલેને બોલતો,

ભેદ કો’ તાગી ગયો એવું નથી.

મુખના રંગેથી ન ખોટું માનતા,

કો’ કશું માગી ગયો એવું નથી.

સૂર સાતે આજ રોમેરોમ છે,

ખોટું હું વાગી ગયો એવું નથી.

પૂછતું ‘સાગર’ ગમે તે લોક આ,

કયાંય હું ભાગી ગયો એવું નથી.

– ‘સાગર’ રામોલિયા

h1

આભે

30/07/2020

દ્વિખંડી ગઝલ
આભે
(ગાલગા લગાગાગા, ગાલગા લગાગાગા)

ચાંદની ખરી આભે, મોજ ઊતરી આભે,
સંધ્યા આછરી આભે, શોભા તો કરી આભે.

વાદળી ભલી નાચે, વાયરો ભલો વાતો,
ફૂલને ધરી આભે, ખુશબૂ સંચરી આભે.

ઊંચે ઊડતું પંખી, ને કળા કરે પંખી,
ટહુકા પણ સરી આભે, વેરે વૈખરી આભે.

તારલી ઘણી કૂદે, સૂર્યને કહે આજે,
હું તો સુંદરી આભે, લાગતી પરી આભે.

આભ શોભતું એવું, ગાય હેતથી ‘સાગર’,
આંખડી ઠરી આભે, મોજથી વરી આભે.

  • ‘સાગર’ રામોલિયા
h1

જીવી લો તાનમાં

26/07/2020

જીવી લો તાનમાં (ગઝલ)
(ગાલગાગા ગાલગાગા ગાલગા)

એટલું મુજને મળે વરદાનમાં,
જીવવાનું ના રહે અપમાનમાં.

એટલી કરજે દયા ભગવાન તું,
હો’ ખુશી સૌના મુખે મુસ્કાનમાં.

જોડવું કે તોડવું જાણું નહીં,
હો’ સફળતા સઘળાં અનુસંધાનમાં.

દુઃખ તો ભાગી જાય સૌ પળવારમાં,
સૂર એવો આપજે મુજ ગાનમાં.

સૌ કહે છે કાલની કોને ખબર?
એટલે જીવી લો ‘સાગર’ તાનમાં.

  • ‘સાગર’ રામોલિયા
h1

મારા ઠોઠ વિદ્યાર્થીઓ – ૨૧

06/06/2020

એક ટેભો પણ આઘાપાછો ન થાય

(મારા ઠોઠ વિદ્યાર્થીઓ – ૨૧)

          આપણું જીવન એવું છે કે કયારે કયું કામ કરવા જવું પડે તેની કોઈ ખાતરી હોતી જ નથી. એટલે મારું એમ માનવું છે કે, આપણે દરેક કામની તૈયારી રાખવી જોઈએ. કયારેક ઘરના લોકો કોઈ કામ ચીંધે, તો કયારેક ઓળખીતા પણ ચીંધે.

          મારે પણ આવું જ બન્‍યું. અમારા એક ઓળખીતા ભાઈએ મને કહ્યું કે, ‘‘તમારી શાળાની નજીકના વિસ્‍તારમાં કોઈ પ્રખ્‍યાત લેડીસ ટેઈલર્સ છે. તમારી ભાભીને તેની પાસે જ કપડાં સીવડાવવાં છે. તો જરા તેનું સરનામું લેતા આવજો અને કયારે સીવી દેશે એ પણ પૂછતા આવજો.”

          મને થયું, આ ભાઈએ પહેલી વખત કામ ચીંઘ્‍યું છે, તો ‘ના’ પણ કેમ પાડવી! એક દિવસ શાળાનો સમય પૂરો થયો એટલે હું પૂછતાં-પૂછતાં આગળ વધતો ગયો. છેવટે એક સાંકડી શેરીમાં પહોંચ્‍યો. બીજાને પૂછીને તે પ્રખ્‍યાત દરજી સુધી પહોંચી તો ગયો જ. નાનકડી એવી દુકાન હતી અને અંદર જોઈ શકાય એવી પરિસ્‍થિતિ ન હતી. કારણ કે, દુકાનના દરવાજા પાસે ઘણી સ્‍ત્રીઓ ઊભી હતી. થોડીવાર તો ઊભો રહ્યો, પણ એવું લાગ્‍યું કે, અહીં મારા માટે જગ્‍યા થાય એવું લાગતું નથી. એટલે મેં જરા ઊંચો અવાજ કરીને કહ્યું, ‘‘ઓ, દરજીભાઈ! મારે તમારું થોડું કામ છે. મારે વાત કરવાનો વારો આવશે? મારે કપડાંની સિલાઈ બાબત પૂછવું છે.”

          મારા અવાજથી સ્‍ત્રીઓ દૂર ખસી ગઈ. હવે દરજીનાં દર્શન થયાં. તેણે મારા સામે જોયું. પછી કહે, ‘‘રામોલિયાસાહેબ! મારા કામ બાબત કંઈ કહેવું ન પડે! એક ટેભો પણ આઘાપાછો ન થાય!”

          તે મારું નામ લઈને બોલ્‍યો અને ટેભાવાળું વાકય બોલ્‍યો એટલે મારી નજર સામે તેનો ભૂતકાળ આવી ગયો. તેનું નામ રવિ રમેશભાઈ ટંકારિયા. તે મારા વર્ગમાં હતો ત્‍યારે મેં જોયું હતું કે, કપડાંને લગતું કોઈપણ કામ હોય તો ફટ દઈને આગળ આવી જાય. તેને એમ લાગે કે વર્ગમાં કાળુંપાટિયું ભૂસવાની ગાદી નબળી થઈ ગઈ છે, તો તરત જ નકામું કપડું શોધે, દફતરમાંથી સોઈ-દોરો કાઢે અને મંડી પડે હાથસિલાઈ કરવા. સોઈ-દોરો તો કાયમી સાથે હોય જ. કયારેક હું મસ્‍તી કરતો, ‘‘જોજે હો, સિલાઈ આડાઅવળી ન થઈ જાય!” એટલે તે કહેતો, ‘‘સાહેબ! એક ટેભો પણ આઘાપાછો ન થાય!” પહેલા તે ભણવામાં નબળો હતો. એટલે એક વખત મેં તેને ટકોર કરી હતી, ‘‘રવિ! આ ટેભા જ કામ નહિ આવે, શિક્ષણ પણ હોવું જરૂરી છે.” તે દિવસ પછી તે મનમાં કંઈક નક્કી કરી લે છે. તેનામાં પરિવર્તન આવવા લાગ્‍યું. બીજા વિષયો કરતાં ગણિતમાં વધારે ફાવટ આવી ગઈ. એટલે એક દિવસ મેં તેને કહ્યું, ‘‘રવિ! તારું ગણિત તો તને ગણિતનો શિક્ષક કે એન્‍જીનિયર બનાવી શકે એટલું પાક્કું થઈ ગયું છે. તારે શું કરવું છે? કે પછી ટેભા જ ભરવા છે?” સમય વહેતો ગયો. તેનું પ્રાથમિક શિક્ષણ પૂરું થયા પછી આજે તેને જોયો હતો.

          હું મસ્‍તીમાં બોલ્‍યો, ‘‘રવિ! તો તો તેં ટેભા ભરવાનું કામ જ રાખ્‍યું!”

          તે કહે, ‘‘તો તમે મને ઓળખી ગયા?”

          મેં કહ્યું, ‘‘તારો ટેભો કયારેય ભુલાયો નહિ, એટલે તું યાદ રહી ગયો.”

         તે કહે, ‘‘પણ સાહેબ! મેં સીધેસીધા ટેભા ભરવાનું કામ નથી કર્યું. પહેલા તો ભણ્‍યો. બી.એસસી. બી.એડ્‍ પણ કરી લીધું. સરકારી નોકરીનો આદેશ પણ આવી ગયો. પણ નોકરીમાં હાજર ન થયો. નોકરીમાં ગયો હોત, તો મારો સિલાઈનો શોખ દૂર રહી જાત. મારા પપ્પાની ઈચ્‍છા તો ‘દરજીનો દીકરો જીવે ત્‍યાં સુધી સીવે’વાળી કહેવત ખોટી પાડવાની હતી. એટલે નોકરી માટે ખૂબ આગ્રહ કર્યો. પણ હું ન માન્‍યો અને મારા શોખને ખાતર આ કામ સ્‍વીકાર્યું. જેમાં શિક્ષણ અને આવડતના લીધે મારી માસ્‍ટરી છે. કામ સતત મળ્‍યા જ કરે છે અને મારા જૂના શબ્‍દોમાં કહું તો, એક ટેભો પણ આઘાપાછો થતો નથી.”

          હવે હું બોલ્‍યો, ‘‘રવિ! એવું નથી કે નોકરી માટે જ ભણવું જોઈએ. નોકરી ન કરવી હોય, તો પણ સારું શિક્ષણ તો મેળવવું જ જોઈએ. સારું શિક્ષણ હશે તો જે વ્‍યવસાય કરશું, તેમાં પણ પારંગતતા આવશે. તેં આ વાતને સાચી કરી દેખાડી છે. ખૂબ ખૂબ ધન્‍યવાદ.”

  • ‘સાગર’ રામોલિયા